



આમ જ આજ પોર્ચ માં લટાર મારતા મારતા વિચારતી રહી… વસંત ના વધામણા થઇ ગયા.
પણ આ શું…. મારા આંગણે કેમ સાવ આવો સુનકાર….!!!!!
વાસંતી વાયરો મહેકતો મને સ્પર્શે કાં’ નહિ…… ???
ઓ’લી મીઠી મધુરી મહેક મારા શ્વાસ માં અનેરો આલ્હાદ ભરે કાં’ નહિ…… ???
અરે હમણાં જ તો કેવું મજાનું ઘર રંગાવ્યું છે. તો આ બધું ફીકું ફીકું શાને……. ???
આંગણું કેવું મજાનું સાફ ચોખ્ખું ચટક છે. નહિ તો ક્યાં કદી થોડી વાર પણ આટલું સાફ રહેતું….!! અરે સફેદ કેસરી ફુલો નો ઢગલો થોડી જ વાર માં થઇ પડતો… પણ આજ એવું કશું જ નથી… હા, હવે એ જુઈ ની વેલ ક્યાં રહી…
મારી માનીતી જુઈ ની વેલ…
હ્મ્મ્મ લગભગ ૧૩ - ૧૪ વર્ષ… હા એટલું ખરું… માં એ કેવા પ્રેમ થી ઘર ના જાંપા પાસે જ રોપી હતી. કોઈ પણ આવે મીઠી મધુરી મહેક થી એમનું સ્વાગત કરવા ‘જ તો….. ને આ જુઈ ને ફેલાતા ક્યાં જાજી વાર પણ લાગી’તી… અરે જાંપા પુરતી એ સીમિત ક્યાં રહે એવી…… પેલા કેસિયા ના ઝાડે કેવા કેવા ટહુકા કરી એને વરી હશે….!!! હાશ તો…. જોયું હોત તો ખબર પડત…. ઝાડ પર કેસરી ફૂલ ઓછા ને સફેદ જુઈ ના જૂમખા વધુ લચકતા જોવા મળતા…!!
વૃક્ષ એક બાજુ એ જુક્યું ‘તું ને વેલ જરા લંબાઈ ઉંચી થઇ વળગી’તી…!!! ને પછી તો બંને એકમેક માં કેવા વીંટળાયેલા હતા જાણે એક થડ ને વરદાનમાં મળી બે રંગીન મહેક…!!! અળગા થઇ શકે ?!!! કરી શકાય ?!!! શક્ય જ ના હોય એવું બંને નું એક જ અસ્તિત્વ બની રહ્યું હતું.
પણ જો ને ઘર ના રીનોવેસન માં જુઈ નો ભોગ લેવાઈ ગયો . આપણે માણસો ને કેવું સરસ બધું જ સાહજિકતા થી લેતા આવડે…..!! પળ માં વિસરી પણ જઈએ…. હશે થયું તે થયું….. !!! હવે કંઈક નવું વાવીશું…..
આજ હું મારું જ આંગણું ધારી ધારી જોઈ રહી… કંઈક અગમ્ય બદલાવ ડંખ્યો… કંઈક ખૂટતું લાગ્યું….. વૃક્ષ ખાલીખમ હતું…. ચકલીઓ નો કલશોર પણ કંઈક ઓછો થઇ ગયો તો…..અચાનક આ ઝાડ ઘરડું લાગ્યું….. શું એને જુઈ ની જુદાઈ સાલી હશે….? ના ના ફક્ત મારો વહેમ…. અરે આ તો પાનખર ગઈ એની જ અસર હશે….
લટાર મારતા મારતા મારું મન બસ વિચારો ના ચકડોળે ચડ્યું’તું… ત્યાં નજર પડી… વૃક્ષ ના થડ પાસે જ માં એ એક નવી લીલા પાન ની વેલ રોપી દીધી હતી… ને હવે પર્ણો થડ ને વીંટળાઈ વધી રહ્યા હતા. મેં મારા મન ને જરા વિચારો માંથી ખંખેરી નજર ઝાડ પર ફેરવી. નવી કુંપળો ફૂટી રહી હતી…!!! જરા હાશ થઇ.
ને ફરી થયું…. આ કેવું…? શું એને જુઈ ની યાદ નહિ આવતી હોય..? એની બરછટ છાતી ઓ’લી લીલુડી મહેક ને વળગવા તડપતી નહિ હોય…? કશો જ ફરક નહિ……?!!!! વૃક્ષ પર વસંત ખીલી વર્તાઈ !!!
ત્યાં જ કામ કરતા અર્જુને મારા વિચારો માં વિઘ્ન નાખ્યું……
” दीदीजी, ये देखिये यहाँ बेल फिर निकल आई. नयी दिवार पे चढ़ जाएगी सब ख़राब कर देगी. निकल दूँ?”
મેં કહ્યું…….. ” हाँ अब निकल ही दो”
અચાનક હું વ્યવહારુ બની ગઈ……!!!!
~ ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 