kri15414cha’s blog

Broadcasting my thoughts
Subscribe

નસીબદાર

May 16, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

સ્વર - મુકેશ
ગીત / સંગીત - જગદીપ વિરાણી
ગુજરાતી ફીલમ - નસીબદાર (૧૯૫૦)










મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે


જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે….


આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગુંછડા મારા
આંગળ માંહી રમતા રે….


તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….


શબ્દો માટે આભાર - માવજીભાઈ.કોમ


માણસ

May 16, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.


આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.


આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.


ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.


ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.


શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.


-ભગવતીકુમાર શર્મા


કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે.  વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ.  માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે.  આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય.  (-સુરેશ દલાલ)


Gazal.

May 16, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.


વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.


એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.


સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.


દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.


-ચિનુ મોદી


ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે.  ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની અત્મકથાના પાનાં જેવા લાગે છે. એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે. સત્ય તો હંમેશા કાંટાળુ જ હોવાનું અને આ દુર્યોધનોની દુનિયામાં સાચું બોલવું એ સમજદારી પણ તો નથી…


Gujarat-3

March 26, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

કોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.


ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.


આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.


મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.


છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.


રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.


આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.


આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.


એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.


ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની


એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.


Halka Haiku

March 20, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?


દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.


બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.


આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.


તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.


વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?


ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.


પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.


મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.


જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.


-ચંદ્રકાંત ટોપીવાળા
(’પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)


આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ  નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે)  કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે :-)


Anand Aparmpar

March 18, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી; 
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

- બાલમુકુન્દ દવે

આઝાદીની ઝંખના,  જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં  તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !


Daughter

March 13, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized



વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                    કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                    ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.



દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
                   અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
                   અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.


સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                  તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                  જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.


વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                   વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                   હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.


- મકરન્દ દવે


નારી-ઘડતરની આ નમણી કવિતા મહિલા દિવસે મૂકવી’તી. પણ શક્ય ન થયું. તો હવે આજે પોસ્ટ કરું છું 


(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર,  હાસ=હાસ્ય,  હુલાસ=ઉલ્લાસ)


Kirankumar Chauhan

March 13, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.


એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.


આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !


આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.


આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.


- કિરણકુમાર ચૌહાણ


Picture?

March 12, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

- શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.


Shaurya

March 12, 2010 By: Krishnakant Chauhan Category: Uncategorized

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. — કાકા કાલેલકર